T.A.M · The Air Media
← Back to live feed
Weightage 89 3 outlets citing General IN

Historical and celebrity-related news reports

Reports cover a historical inquiry regarding the only Black passenger on the RMS Titanic, alongside celebrity-focused content regarding Aishwarya Rai.

First reported 2 days ago · latest update 1 hour ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
BBC News Gujarati Authority 90

10 એપ્રિલ, 1912ના રોજ એ સમયનું સૌથી આધુનિક જહાજ પોતાની પ્રથમ સફર માટે ઇંગ્લૅન્ડના સાઉધમ્પ્ટનથી રવાના થયું હતું.

ન્યૂ યૉર્ક જઈ રહેલા આરએમએસ ટાઇટેનિક પર 2,201 લોકો સવાર હતા. ચાર દિવસ પછી ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરમાં આ જહાજ એક હિમશિલા સાથે અથડાયું અને ડૂબી ગયું.

ટાઇટેનિકની આ કહાણી અસંખ્ય વાર અને અનેક રીતે કહેવાઈ ચૂકી છે. એ સમયના અખબારી અહેવાલોથી લઈને લિયોનાર્ડો ડિ કૅપ્રિયોની હોલીવુડની બ્લૉકબસ્ટર ફિલ્મ સુધી, આ દુર્ઘટના વિશે ઘણું બધું લખાયું છે અને દર્શાવવામાં આવ્યું છે.

પરંતુ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આશરે 1,500 લોકોમાં સામેલ એક વ્યક્તિની કહાણી લાંબા સમય સુધી લગભગ વીસરાઈ ગઈ હતી.

દરમિયાન એક સમાજશાસ્ત્રી લિવરપુલના એક સંગ્રહાલયમાં પહોંચ્યાં અને આ કહાણી તેમની નજરે ચડી.

તેમનું નામ હતું જૉસેફ ફિલિપ લારોશ. ટાઇટેનિકની પ્રથમ સફરમાં સવાર થયેલા મુસાફરોમાં તેઓ એક માત્ર કાળી વ્યક્તિ હતા, જેમનો દસ્તાવેજોમાં ઉલ્લેખ મળે છે.

પરંતુ તેઓ કોણ હતા? સંજોગોએ એવા કયા વળાંકો લીધા કે 25 વર્ષીય લારોશ પોતાના પરિવાર સાથે વ્હાઇટ સ્ટાર લાઇનના એ જહાજ પર પહોંચી ગયા, જેના વિશે કહેવાતું હતું કે તે ક્યારેય ડૂબી જ ન શકે?

લારોશનો જન્મ 1886માં હૈતીના કૅપ-હૈતીયન શહેરમાં થયો હતો.

તેઓ હૈતીના પ્રથમ સમ્રાટ ઝાં-ઝાક દેસાલિનના પ્રપૌત્ર હતા. દેસાલિને ફ્રૅન્ચ સંસ્થાનવાદી શાસન સામે હૈતીની આઝાદીની લડાઈનું નેતૃત્વ કર્યું હતું.

લારોશનો એક વગદાર અને સમૃદ્ધ પરિવારમાં ઉછેર થયો હતો. 15 વર્ષની ઉંમરે તેઓ એક શિક્ષક સાથે ફ્રાન્સ પહોંચ્યા હતા, જેથી તેઓ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકે.

ફ્રાન્સ પહોંચ્યાના આશરે 11 વર્ષ પછી ટાઇટેનિક દુર્ઘટનામાં લારોશનું મૃત્યુ થયું.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

લાંબા સમય સુધી ભૂલાવાઈ ગયેલી લારોશની કહાણી આખરે ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે ડૉક્ટર કાર્લેટ નૉરવુડને લિવરપુલના મેરિટાઇમ મ્યૂઝિયમની મુલાકાત દરમિયાન તેમના વિશે જાણવા મળ્યું.

વૉશિંગ્ટન ડીસીમાં જન્મેલા નૉરવુડે ત્યાર પછી લારોશના જીવન પર કામ કરવાનું શરૂ કર્યું. બે વર્ષ પહેલાં તેમણે લારોશના જીવન પર એક નાટક લખ્યું અને તેનું દિગ્દર્શન પણ કર્યું.

17 ઑક્ટોબરે લિવરપુલમાં આ નાટકનું પ્રથમ વાર મંચન થવાનું છે. એ પહેલાં નૉરવુડે બીબીસીને લારોશના જીવનની જટિલ કહાણી જણાવી.

આ કહાણી એક વગદાર પરિવારથી શરૂ થાય છે, તેમાં એક સાહસિક પ્રેમકથા આકાર લે છે અને અંતે એક કરુણાંતિકા સાથે તે પૂરી થાય છે.

લારોશ 1901માં ફ્રાન્સ પહોંચ્યા હતા. એ સમયે ફ્રૅન્ચ સંસ્થાનોમાં ગુલામી નાબૂદ થયાને માંડ 50 વર્ષ થયાં હતાં.

તેમણે પૅરિસ નજીકના બૉવે શહેરમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને એન્જિનિયર બન્યા.

નૉરવુડ કહે છે, "1900ના દાયકાની શરૂઆતમાં ફ્રાન્સમાં કાળા લોકો પ્રત્યે ભારે રંગભેદ પ્રવર્તતો હતો."

"એ સમયે ફ્રાન્સમાં લોકો ખરેખર માનતા હતા કે કાળા લોકોને પૂંછડી હોય છે."

"તેમને ત્યાં પોતાની વંશીય ઓળખને કારણે ભારે તણાવ અને ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો."

એ સમયના ફ્રાન્સમાં અલગ-અલગ વંશીય પૃષ્ઠભૂમિ ધરાવતાં યુગલોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

આમ છતાં, લારોશની મુલાકાત જુલિયેટ લાફાર્ગ સાથે થઈ. તેઓ એક શ્વેત ફ્રૅન્ચ મહિલા હતાં. બંનેએ લગ્ન કરી લીધાં.

નૉરવુડ તેમના વિશે કહે છે, "એ સમયે કોઈ કાળી વ્યક્તિ સાથે પ્રેમસંબંધ રાખવાનું સાહસ કરનારાં તેઓ ચોક્કસપણે એક અસાધારણ મહિલા હશે."

"માત્ર એટલું જ નહીં, તેમના પરિવારે પણ તેમને સાથ આપ્યો હતો, કારણ કે એ બંને જુલિયેટના પિતા સાથે રહેતાં હતાં."

"એક વાત તો નક્કી છે કે લાફાર્ગના પરિવારે તેમના સંબંધને સ્વીકાર્યો હતો અને તેમને સાથ આપ્યો હતો. કારણ કે, તેનો ઉલ્લેખ લાફાર્ગે લારોશ વિશે પોતાના પિતાને લખેલા એક પત્રમાં મળે છે, જે આજે પણ સચવાયેલો છે."

"લારોશની ત્વચાના રંગ કરતાં તેઓ ભણેલા હતા એ વાત તેમના પિતા માટે વધુ મહત્ત્વની હતી."

બંનેને બે દીકરીઓ થઈ. તેમનાં નામ સિમોન મેરી ઍન આન્દ્રે લારોશ અને લુઇઝ લારોશ હતાં. સિમોનનો જન્મ 1909માં અને લુઇઝનો જન્મ 1910માં થયો હતો.

જોકે, થોડા સમય પછી જ લારોશે પોતાના પરિવાર સાથે વતન હૈતી પાછા ફરવાનું નક્કી કર્યું.

નૉરવુડ કહે છે, "લારોશ પોતાની ડિગ્રી મેળવવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેમના માટે નોકરી મેળવવી ખૂબ મુશ્કેલ હતી."

"તેમને ઘણી વાર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા હતા. નોકરી મળતી ત્યારે પણ તેમને વંશીય ઓળખને કારણે અપમાનજનક વર્તન વેઠવું પડતું."

પરિવારે 1912ની આખરમાં ફ્રાન્સ છોડવાનું નક્કી કર્યું હતું. પરંતુ લાફાર્ગ ત્રીજા બાળકને જન્મ આપવાનાં હતાં, તેથી પરિવારે નિર્ધારિત સમય કરતાં વહેલા સ્થળ છોડવાનું નક્કી કર્યું. નૉરવુડ જણાવે છે, "તેઓ નહોતાં ઇચ્છતાં કે તેમનું બાળક ફ્રાન્સમાં જન્મે અને ત્યાં જ મોટું થાય."

"તેઓ હૈતી પાછા ફરવા માગતાં હતાં. તેઓ પોતાની માતાની ખૂબ નજીક હતાં અને તેમને માતાની બહુ યાદ આવતી હતી."

નૉરવુડના જણાવ્યા અનુસાર, જોકે, લાફાર્ગને ફ્રાન્સમાં રહેતા પોતાના પિતાને છોડીને જવાની ચિંતા હતી. પરંતુ એ સમયે હૈતીના રાષ્ટ્રપતિ અને જૉસેફના કાકા સિન્સિનાટસ લેકોંતે તેમના માટે ગણિતના શિક્ષકની નોકરીની ગોઠવણ કરી દીધી હતી. ત્યાર પછી પરિવારે હૈતી પાછા ફરવાનો નિર્ણય લીધો.

પરંતુ આ પરિવાર ટાઇટેનિક પર કેવી રીતે પહોંચ્યો?

ફ્રાન્સથી નિર્ધારિત સમય કરતાં વહેલા નીકળવાના નિર્ણયથી લઈને બીજા જહાજની ટિકિટ લેવી અને ટાઇટેનિકમાં સવાર થતાં સહેજમાં રહી જવા સુધીની ઘટનાઓ વિશે નૉરવુડ કહે છે, "તેઓ એ જહાજમાં જવાના જ નહોતા."

"લારોશનાં માતાએ પરિવાર માટે 'એસએસ ફ્રાન્સ' જહાજની ફર્સ્ટ ક્લાસની ટિકિટો મોકલી હતી."

"પરંતુ જ્યારે તેમને ખબર પડી કે 'એસએસ ફ્રાન્સ'માં બાળકો તેમની સાથે બેસીને ભોજન નહીં લઈ શકે, ત્યારે તેમણે ફર્સ્ટ ક્લાસની એ ટિકિટો બદલીને ટાઇટેનિકની સેકન્ડ ક્લાસની ટિકિટો લઈ લીધી."

પરિવારના નસીબે ત્યારે બીજી વાર વળાંક લીધો. તેઓ એક એવા જહાજમાં સવાર થવાના હતા, જે થોડા જ સમયમાં ડૂબી જવાનું હતું.

ટાઇટેનિકે ફ્રાન્સના શૅર્બૂર્ગ બંદરે રોકાવાનું હતું. પરંતુ તે એટલું મોટું હતું કે બંદર સુધી આવી શકતું નહોતું.

આથી શૅર્બૂર્ગથી જહાજમાં સવાર થનારા મુસાફરોને 'એસએસ નોમૅડિક' નામના નાના જહાજ દ્વારા ટાઇટેનિક સુધી પહોંચાડવામાં આવ્યા.

નૉરવુડ કહે છે, "તેમને એક નાની હોડી દ્વારા જહાજ સુધી જવું પડ્યું."

"તેઓ જે હોડીમાં સવાર હતા, તેના ઍન્જિનમાં ખામી સર્જાઈ હતી અને સવાર થતાં થતાં રહી ગયા હતા."

14 એપ્રિલ, 1912ની રાત્રે આશરે 11 અને 40 મિનિટે ટાઇટેનિક હિમશિલા સાથે અથડાયું.

લારોશે પોતાની પત્નીને જગાડી. બંનેએ કેટલીક કીમતી વસ્તુઓ ભેગી કરી અને ઊંઘી રહેલી દીકરીઓને તેડીને જહાજના સૌથી ઉપરના તૂતક પર પહોંચ્યાં.

ગર્ભવતી લાફાર્ગ અને બંને દીકરીઓને બચાવનૌકામાં જગ્યા મળી ગઈ. બીજા દિવસે 'આરએમએસ કાર્પેથિયા'એ તેમને સુરક્ષિત રીતે બચાવી લીધાં.

પરંતુ જૉસેફનું શું થયું, એ કદી જાણી શકાયું નહીં.

નૉરવુડ માટે લારોશની કહાણી કોઈ પણ વાતને બઢાવીચઢાવીને કહ્યા વિના રજૂ કરવી મહત્ત્વની છે. તેનું મહત્ત્વ માત્ર એક વ્યક્તિના ઇતિહાસને જાણવાથી વિશેષ છે."

તેઓ કહે છે, "આ કહાણી દરેકને પોતાની તરફ આકર્ષે છે, કારણ કે તે ટાઇટેનિકના વારસાનો એક અંશ છે."

"પરંતુ આપણામાંના ઘણા કાળા લોકો પોતાનો ઇતિહાસ જાણતા નથી."

"ગુલામીની એ પ્રથામાં મનુષ્યોને માલમિલકત ગણવામાં આવતા હતા. પરિણામે, તેમના વિશે કોઈ નોંધ જાળવવામાં આવતી નહોતી."

"આથી આપણને આપણા ભૂતકાળ અને આપણી ઓળખ વિશે બહુ ઓછી જાણકારી છે."

નૉરવુડ આગળ કહે છે, "લારોશની કહાણી દર્શાવે છે કે કાળા લોકોની આવી મહત્ત્વપૂર્ણ કહાણીઓ પણ છે અને આપણી ઓળખ માત્ર ગુલામી પૂરતી મર્યાદિત નથી."

"એવા લોકો પણ હતા, જેઓ પ્રગતિ કરી રહ્યા હતા અને ખૂબ સફળ હતા."

"આ કહાણી આપણને આપણા ભૂતકાળ સાથે જોડે છે."

"જોસેફ લારોશ સાથે આપણો કોઈ સંબંધ હોવો જરૂરી નથી, છતાં આપણે તેમની સાથે જોડાણ અનુભવી શકીએ છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

↗ Read the original at BBC News Gujarati

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

90 BBC News Gujarati ★ most authoritative citation

ટાઇટેનિકમાં સવાર એકમાત્ર કાળા મુસાફર કોણ હતા?

ન્યૂ યૉર્ક જઈ રહેલા આરએમએસ ટાઇટેનિક પર 2,201 લોકો સવાર હતા. ચાર દિવસ પછી ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરમાં આ જહાજ એક હિમશિલા સાથે અથડાયું અને ડૂબી ગયું.

1 hour ago
80 TV9 Gujarati

Breaking News : ના અમિતાભ બચ્ચન કે ના શાહરૂખ ખાન, દુનિયામાં એકમાત્ર એવી વ્યક્તિ જેને ઐશ્વર્યા રાય... - TV9 Gujarati

Breaking News : ના અમિતાભ બચ્ચન કે ના શાહરૂખ ખાન, દુનિયામાં એકમાત્ર એવી વ્યક્તિ જેને ઐશ્વર્યા રાય... TV9 Gujarati

2 days ago
80 Google News Gujarati Technology

Breaking News : ના અમિતાભ બચ્ચન કે ના શાહરૂખ ખાન, દુનિયામાં એકમાત્ર એવી વ્યક્તિ જેને ઐશ્વર્યા રાય... - TV9 Gujarati

Breaking News : ના અમિતાભ બચ્ચન કે ના શાહરૂખ ખાન, દુનિયામાં એકમાત્ર એવી વ્યક્તિ જેને ઐશ્વર્યા રાય... TV9 Gujarati

2 days ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app