T.A.M · The Air Media
← Back to live feed
Weightage 90 3 outlets citing India IN

સાપ ભગાડવાના સ્પ્રે કે ખાસ છોડ ખરેખર કામ કરે છે, તેમાં કેવાં પ્રાકૃતિક તેલ વપરાય છે?

ઘર, બગીચા અને ખેતીની જમીનમાં સાપને પ્રવેશતા રોકવાનો દાવો કરતાં વિવિધ સ્પ્રે અને રસાયણો ઑનલાઇન વેચાય છે. પરંતુ શું તેઓ ખરેખર સાપને દૂર રાખે છે? શું વૈજ્ઞાનિક અભ્યાસોએ આ વાત સાબિત કરી છે?

First reported 1 week ago · latest update 1 week ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
BBC News Gujarati Authority 90

ઘર, બગીચા અને ખેતીની જમીનમાં સાપને પ્રવેશતા રોકવાનો દાવો કરતાં વિવિધ સ્પ્રે અને રસાયણો ઑનલાઇન વેચાય છે. પરંતુ શું તેઓ ખરેખર સાપને દૂર રાખે છે? શું વૈજ્ઞાનિક અભ્યાસોએ આ વાત સાબિત કરી છે?

ઇન્ટરનેટ પર તમે "Snake Repellent" (સ્નેક રેપેલન્‍ટ) શોધશો, તો તમને એવાં ઘણાં ઉત્પાદનો મળી જશે, જે "સાપને ઘરમાં કે કોઈ ચોક્કસ વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા"નો દાવો કરે છે.

દર્શાવાયેલાં આવાં ઉત્પાદનોનાં વર્ણનમાં જણાવાયું હોય છે કે કેટલાકમાં આવશ્યક તેલનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે અન્યમાં સલ્ફર અને નેફ્થેલિન જેવાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.

કેટલાંક ઉત્પાદનો એવી પણ જાહેરાત કરે છે કે તેમનામાંથી પેદા થતી તીવ્ર વાસને કારણે સાપને તે વિસ્તારમાંથી દૂર રાખશે.

પરંતુ કોઈ પદાર્થમાં ફક્ત તીવ્ર વાસ હોય એટલા માટે તે સાપને દૂર રાખે એવું જરૂરી નથી, એમ મદુરાઈની રેપ્ટાઇલ સોસાયટીના સ્થાપક વિશ્વનાથન કહે છે.

તેઓ 15 કરતાં વધુ વર્ષોથી સાપના જીવવિજ્ઞાન અને સાપ-માનવનાં પરસ્પર સંબંધો પર સંશોધન કરી રહ્યા છે અને સાપને બચાવવાની કામગીરી સાથે સંકળાયેલા છે.

ભારતની ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડી.આર.ડી.ઓ.)ના સંશોધકોએ કરેલો અભ્યાસ આ સંદર્ભે કરવામાં આવેલા સૌથી મહત્ત્વપૂર્ણ અભ્યાસોમાંનો એક ગણાય છે.

આ અભ્યાસ 29 જુલાઈ, 2012ના રોજ 'સાયન્‍ટિફિક રિપોર્ટ્સ' નામની પત્રિકામાં પ્રકાશિત થયો હતો.

ભારતના મુખ્ય ઝેરી સાપોમાં કોબ્રા, બેન્ડેડ વાઇપર, ગ્લાસ વાઇપર અને કર્લી વાઇપર સહિતના સાપને દૂર રાખવાનાં કેટલાંક ઉત્પાદનોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવેલા આ પ્રયોગોમાં કેટલાંક ઉત્પાદનો સાપને દૂર રાખવામાં અસરકારક જણાયાં હતાં. એમાં લવિંગના તેલમાં જોવા મળતું યુજિનોલ પણ સામેલ હતું.

અહીં એક મહત્ત્વનો મુદ્દો છે. આ પ્રયોગો પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવ્યા હતા.

સંશોધકોએ નોંધ્યું છે કે ઘર, બગીચા અને ખેતર જેવા કુદરતી વાતાવરણમાં આ પરિણામો સીધેસીધાં લાગુ કરી શકાય નહીં.

અભ્યાસમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે આવાં ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે તો પણ, સંપૂર્ણ સલામતીના ઉપાય કે સાધન તરીકે તેમના પર આધાર રાખવો જોઈએ નહીં.

સાપને દૂર રાખનાર તરીકે વેચાતાં ઉત્પાદનો કુદરતી વાતાવરણમાં પણ અસરકારક છે કે નહીં, એ અંગે આ એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.

'અપ્લાઇડ હર્પેટોલૉજી' નામની હર્પેટોલૉજી જર્નલમાં 2008માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં નેફ્થેલિન અને સલ્ફરના મિશ્રણનું સાપ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કુદરતી ખુલ્લા વાતાવરણ જેવી પરિસ્થિતિ ઊભી કરીને આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં બહુ ઓછા સાપ આ રસાયણનો ઉપયોગ કરાયેલા વિસ્તારથી દૂર રહ્યા હતા. જ્યારે ઘણા સાપ એ વિસ્તારમાંથી પસાર થઈ ગયા હતા અને સામાન્ય રીતે વર્ત્યા હતા.

અભ્યાસના અંતે સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે સાપને દૂર રાખનારાં આવાં મિશ્રણો સાપને સંપૂર્ણપણે દૂર રાખતાં નથી અને જોખમથી આપણને સુરક્ષા આપતાં નથી.

ઑનલાઇન વેચાતાં ઘણાં નવાં ઉત્પાદનોની જાહેરાત "કુદરતી ઉત્પાદનો" તરીકે કરવામાં આવે છે. તેમાં તજ, ફુદીનો, લવિંગ અને દેવદારનાં તેલ જેવાં તેલોનો સમાવેશ થાય છે.

પરંતુ કોઈ વસ્તુ "કુદરતી" હોય એટલે તે સાપને દૂર રાખે જ એવું નથી.

તાજેતરમાં 'ફ્રન્‍ટિયર્સ ઇન પબ્લિક હેલ્થ' પત્રિકામાં પ્રકાશિત એક અભ્યાસમાં સાપને ભગાડવા માટે આફ્રિકામાં વેચવામાં આવતાં મિશ્રણોની તપાસ કરવામાં આવી હતી.

સંશોધકોએ જણાવ્યું હતું કે આમાંનાં ઘણાં ઉત્પાદનોમાં આવશ્યક તેલો સહિત વિવિધ રસાયણો હોય છે અને તેમની અસરકારકતા અંગે વૈજ્ઞાનિક પુરાવા બહુ ઓછા છે.

અભ્યાસમાં એમ પણ નોંધવામાં આવ્યું હતું કે ખુલ્લા વાતાવરણમાં પરીક્ષણ કરવામાં આવેલું કોઈ પણ ઉત્પાદન સાપને દૂર રાખવા બાબતે પાણી કરતાં વધુ અસરકારક સાબિત થયું નહોતું.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

અમેરિકાની યુનિવર્સિટી ઑફ મેરીલેન્ડ એક્સ્ટેન્શન સર્વિસની માર્ગદર્શિકા મુજબ, સાપને દૂર રાખવા માટેનાં વિવિધ ઉત્પાદનોનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવા છતાં, "તેમાંથી કોઈ પણ સતત અસરકારક સાબિત થયું નથી."

આ માર્ગદર્શિકા 2 એપ્રિલ, 2021ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી.

આ વાત પર ભાર મૂકતાં વિશ્વનાથને કહ્યું, "આપણાં ગામડાંમાં સ્નેક પ્લાન્ટ, સિરિયન નંગાઈ, પેરિયા નંગાઈ, સર્પગંધી અને ચોટ્રુ કેક્ટસ જેવા છોડને સાપને દૂર રાખનારા માનવામાં આવે છે."

"પરંતુ અત્યાર સુધી આ વાતના કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. વાસ્તવમાં, અમે આ છોડની વચ્ચે ફરતા સાપ જોયા છે."

તેમના જણાવ્યા મુજબ, "સાપ મોટા અને નાના ઉંદરો જેવાં પ્રાણીઓનો શિકાર કરે છે. એવાં પ્રાણીઓ મોટી સંખ્યામાં હોય તો સાપની અવરજવર અટકશે નહીં."

"સાપને દૂર રાખનારા ગમે તેટલા છોડ વાવો કે સાપ ભગાડવા માટેનાં રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરો, તો પણ કોઈ ફરક નહીં પડે."

વધુમાં તેમણે કહ્યું કે, "બાળકો દરરોજ ઘરની આસપાસ વધુ સમય રમે છે અને અવરજવર કરે છે. ક્યાંક પડેલો દડો લેવા જાય ત્યારે અથવા ઘરની કોઈ વસ્તુને હાથ અડાડે ત્યારે આ રસાયણો તેમના હાથ પર લાગી શકે છે."

વિશ્વનાથન ચેતવણી આપે છે કે, "બાળકો હાથ બરાબર ધોયા પછી હંમેશાં હાથ મોઢામાં નહીં નાખે તેની ખાતરી આપણે સો ટકા રાખી શકીએ નહીં."

"તેથી, આવાં ઉત્પાદનો સાપથી બાળકોનું રક્ષણ કરવા કરતાં તેમના માટે જોખમ ઊભું કરે એવી શક્યતા વધુ છે."

સાપ કરડવાની ઘટનાઓ રોકવા માટે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવા કરતાં પર્યાવરણને સ્વચ્છ અને યોગ્ય રીતે જાળવવું વધુ મહત્ત્વનું છે, એમ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પણ જણાવે છે.

વિશ્વનાથન આ માટે કેટલાક સરળ ઉપાયો સૂચવે છે. ઘરની આસપાસ ઘાસ અને ઝાડીઝાંખરાં ન વધવા દેવાં, કચરો હટાવવો અને સાપને છુપાવા માટેની જગ્યાઓ ન રહેવા દેવી તથા સાપ ઘરમાં પ્રવેશી શકે એવી જગ્યાઓ બંધ કરવી.

તેમણે કહ્યું કે ઘરની આસપાસ સાપના મનપસંદ શિકાર એવા ઉંદરોની સંખ્યા નિયંત્રણમાં રહે તેની કાળજી રાખવી પણ મહત્ત્વપૂર્ણ છે.

નિષ્ણાતો કહે છે કે ઘરની આસપાસ આવા સ્પ્રે છાંટવાથી સાપ દૂર રહે છે કે નહીં, તે સાબિત કરવા માટે હજુ પૂરતા પુરાવા નથી.

તેથી રેપ્ટાઇલ ઑર્ગેનાઇઝેશનના સ્થાપક વિશ્વનાથન ભારપૂર્વક કહે છે કે ઑનલાઇન વેચાતા સાપ ભગાડવાના સ્પ્રેને સાપથી બચવાનો ભરોસાપાત્ર ઉપાય માનવો યોગ્ય નથી.

સાપને બચાવવાના નિષ્ણાત અને વન્યજીવન કાર્યકર સેમસન કિરુબાકરને અગાઉ બીબીસી તમિલને જણાવ્યું હતું કે, "સાપથી ઘરમાં ઊભા થતા જોખમને ટાળવા માટે ઘરમાં સાપ પ્રવેશી શકે એવી જગ્યાઓ બંધ કરવી, ઘરની આસપાસનાં ઝાડીઝાંખરાં અને કચરો દૂર કરવો તથા સાપના શિકાર એવા ઉંદરોની સંખ્યા નિયંત્રણમાં રાખવા જેવા વ્યવહારુ ઉપાયો સૌથી વિશ્વસનીય છે."

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કોઈ ઉત્પાદનની જાહેરાત "100 ટકા સાપ ભગાડનાર" તરીકે કરવામાં આવે અને કુદરતી વાતાવરણમાં તે અસરકારક હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થાય, એ બન્ને અલગ બાબતો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

↗ Read the original at BBC News Gujarati

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

90 BBC News Gujarati ★ most authoritative citation

સાપ ભગાડવાના સ્પ્રે કે ખાસ છોડ ખરેખર કામ કરે છે, તેમાં કેવાં પ્રાકૃતિક તેલ વપરાય છે?

ઘર, બગીચા અને ખેતીની જમીનમાં સાપને પ્રવેશતા રોકવાનો દાવો કરતાં વિવિધ સ્પ્રે અને રસાયણો ઑનલાઇન વેચાય છે. પરંતુ શું તેઓ ખરેખર સાપને દૂર રાખે છે? શું વૈજ્ઞાનિક અભ્યાસોએ આ વાત સાબિત કરી છે?

1 week ago
85 Divya Bhaskar Gujarati

ચુલડી ગામમાં જંકફૂડ પડીકાના વેચાણ-વપરાશ પર પ્રતિબંધ: બાળકોના સ્વાસ્થ્ય માટે ગ્રામ પંચાયત અને દુકાનદારોએ સર્... - Divya Bhaskar

ચુલડી ગામમાં જંકફૂડ પડીકાના વેચાણ-વપરાશ પર પ્રતિબંધ: બાળકોના સ્વાસ્થ્ય માટે ગ્રામ પંચાયત અને દુકાનદારોએ સર્... Divya Bhaskar

1 week ago
84 Gujarat Samachar

હોટ ફિક્સમાં વપરાતું પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્… - Gujarat Samachar

હોટ ફિક્સમાં વપરાતું પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્… Gujarat Samachar

1 week ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app